લોકસંસ્કૃતિ ખરા અર્થમાંતો સહજીવનની સમયની સાથે બદલાતી જતી; જીવન જીવવાની નોખી-નોખી ભાતો છે. આદિમાનવ જયારે સમૂહ જીવન જીવતો થયો હશે ત્યારે તેના જીવનમાં તેને ખોરાક સાચવવાની રીતનો આવિષ્કાર કર્યો હશે. અગ્નિને પ્રજ્વલિત કરવાનો કે પછી પૈડું દોડાવવાનો, ખેતી કરવાની રીતો શોધતાં તેને પોતાના માટે નવરાશની પળો પણ મેળવી હશે. શિકાર માટેના ભટકતા જીવનમાંથી; તેણે પોતાના માટે જીવવાની અને પોતાને જાણવાની શરૂઆત કરી હશે. સ્વ માટેનો સમય મનુષ્યને પ્રકૃતિની નજીક લઇ ગયો હશે , તેને ઝરણા અને પંખીઓના કલરવમાંથી સંગીત ખોળી કાઢ્યું હશે. આ એવા પ્રકારનું ગીત અને સંગીત હતું જે મનુષ્યના અંતરમનમાં રસનું નીસ્પંદન કરતું થયું, જેને ત્યારબાદ મનુષ્યને સામજિક જીવન અને સામુહિક જીવનમાં સાંસ્કૃતિક એકમ તરીકે આનંદ મેળવતા શીખવ્યું હશે.
ગીત- સંગીત ના માધ્યમ થી મનુષ્ય સામુહિક રીતે સામુહિક જગ્યાએ મેળાવડા કરતો થયો અને જેને જન્મ આપ્યો મેળાઓને, જુદા જુદા બહાના તળે એક જગ્યાએ ભેગા થવાના આ સ્થળો સમય જતા બન્યા પરંપરાગત મેળાના સ્થળો અને જે જે દિવસો દરમિયાન મનુષ્યો ભેગા થતા તે દિવસો કહેવાયા માનવ તહેવારો.
મનુષ્ય સામુહિક મેળાવડા કરતા-કરતા ગુટબાજી પણ શીખ્યો અને તેને જન્મ આપ્યો આદિમ ધર્મને જે કાળક્રમે પરિણમે છે સંઘર્ષમાં. આમ મનુષ્ય દ્વારા સમયની સાથે ભૌગોલિક પરિસ્થિતિને સાપેક્ષ જે જે સામુહિક બાબતોની શરૂઆત થઇ તેમાંથીજ જન્મે છે તેની જીવન જીવવાની પધ્ધતી.
મનુષ્યની આ જીવન જીવવાની પદ્ધતિમાં મૂળભૂત રીતેતો રસનો વધારો કરવાનો ઉદેષ્ય હતો પરંતુ તેની સાથે સાથે તે વસ્તુઓને સાચવતા અને સંગ્રહ કરતા પણ શીખ્યો જેનું નકારાત્મક પરિણામ એ આવ્યું કે તેને સામુહિક કળા, સંગીત, ગીત અને કુદરતને પૂજવાની પરંપરાઓને સ્વ સાથે જોડી પરંતુ મનુષ્યનું આ સ્વ સાથેનું જોડાણ નકારાત્મક હતું , જેને મનુષ્યમાં મારુ અને તમારુ હોવાની ભાવના પ્રજ્વલિત કરી જે કુદરતના સ્વ સાથેના જોડાણના સિદ્ધાંતથી તદ્દન વિરુદ્ધનું હતું .
ભૌગોલિકતા એક એવું પાસું છે જેને મનુષ્યના સામુહિક જીવનમાં વિવિધતાને જન્મ આપ્યો જે વિવિધતા પ્રત્યે સમય જતા મનુષ્ય મમત્વ ધરાવતો થયો. બદલાવના કોઈ પણ આવકાશ સામે પોતાની સાંસ્કૃતિક બાબતોની અખંડિતતા ની દુહાઈ આપતો થયો. મનુષ્ય વર્તમાનમાં ભવિષ્ય વિશે તો સાચા અર્થમાં વિચારી નથી શકતો પરંતુ જો તે ભૂતકાળ પર પણ નજર ફેરવે તો તેને ; સંગીત- ગીત, ધર્મ, ખાનપાન, વસ્ત્ર-અલંકારો, ભાષા જેવી દરેક બાબતમાં પોતાના ગુટમાં ,પોતાના જ ભૌગોલિક વિસ્તારમાં સમયના દરેકે-દરેક કાલખંડમાં બદલાવ જરૂર જણાશે.
આપણે એટલી બાબત સમજી શક્યા છીએ કે લોકસંસ્કૃતિ એટલે લોકસમૂહનું સહિયારું જીવન છે જે કાળક્રમે બદલાતું રહે છે. મનુષ્યની તેના પ્રત્યેના લગાવની માત્રા તેને તેની સાથે નાતો જાળવી રાખવાની કે તેને મૃતપાય થતી કે પરિવર્તિત થતી અટકાવી રાખવાની વધારે છે. સંસ્કૃતિ કે લોક-સંસ્કૃતિ સમયને આધીન લોક્સર્જનની જુદી જુદી વિભાવનાઓ છે.
ભાષા , ધર્મ , જાતિ, સાહિત્ય , વસ્ત્ર-અલંકારો, ઉત્સવો, સંગીત,નૃત્ય, મેળાઓ, ભૌગોલિક પ્રદેશો, દેવસ્થાનો, ચિત્ર, કળા, રમતો, વાજિંત્રો વગેરે બાબતોનો અભ્યાસ આપણે સાંસ્કૃતિક ગુજરાત અંતર્ગત કરીશું. અહીં એ નોધવું પણ રસપ્રદ થશે કે વિજ્ઞાન અને તકનીકી વિકાસ ને પરિણામે જુદી જુદી સંસ્કૃતિઓ પ્રત્યે મનુષ્યની જાણકારી અને સંવેદનશીલતા પણ વધી રહી છે જે એક નવા જ પ્રકારની વૈશ્વિક સંસ્કૃતિને વ્યાખ્યાયિત કરે છે.