ગુજરાત શબ્દ ની વ્યુત્પત્તિ સમજવા માટે ‘પ્રબંધ ચિંતામાણી’ , ‘મિરાતે-સિકંદરી’ , ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’ કે પછી ગિરિનગર ના શિલાલેખો હોય તે પુરતું નથી. ગુજરાત ; ભીન્નમાલ ના ગુર્જર-પ્રતીહારા રાજાઓની મુદ્રાઓમાં તો ક્યાંક હ્યું-એન-ત્સાંગ રચિત ‘સી-યુ-કી’ ની તળપદી ભાષા સિચુઆન માં અવતરીત મળી આવે છે. રૂદ્રમહાલય અને સૂર્યમંદિર ગુજરાતના હોવાપણાની નહિ પરંતુ વિસ્તૃત અસ્તિત્વ ની ખાત્રી આપે છે. રૂડાદેવીની અડાલજ ની વાવ કે પછી ઉદયમતીના સમયમાં નિર્મિત રાણીની વાવ હોય , મૃણાલના કાળનું મુનસર કે મલાવ તડાગ ; વર્લ્ડ હેરીટેજ માં સ્થાન મેળવેલ આવા ગુજરાતી સ્થાપત્યો લોકોપયોગી કાર્યો માટે ગુજરાતી સ્ત્રીઓની પ્રતિબદ્ધતાને પ્રમાણિત કરે છે.
ગુજરાતી શબ્દ એ માત્ર પ્રાદેશિક નહિ પરંતુ વૈશ્વિક પ્રરીદ્ર્શ્યમાં સમજવાની જરૂરિયાત છે. શિક્ષણમાં વલ્લભી વિદ્યાપીઠ, વિશ્વ વ્યાપારમાં લોથલનું બારું; ગુજરાતે હંમેશા પોતાના હોવાપણાનો સંકેત આપ્યો છે. મલ્લાકા, મોઝામ્બિક, માલાબાર, મોમ્બાસા કે પછી ઉરમાં ;ગુજરાતના બરીગાઝાથી આવતી વ્યાપારીઓ હુન્ડીઓ સ્વીકારાઈ છે.
ગુજરાત સિંધુ, સરસ્વતી ને પુજતો, ધોળાવીરા માં વરસાદી પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિનો આવિષ્કાર કરતો, સોમનાથમાં શિવમહિમ સ્ત્રોતો ને ઉચ્ચારતો, નાલંદામાં ‘ધમ્મમ શરણ ગચ્છામી’ ઉચ્ચારી મધ્યમ માર્ગે ગતિ કરતો, અણહીલમાં ‘ઓમ નમો અરીહનતાનમ’ ઉચ્ચારતો, ગીરીનગરમાં બ્રાહ્મી ને પરિભાષિત કરતો, હઝીરાઓ માં આયાતો અને અઝાનો લલકારતો, ઉદવાડા અને નવસારીમાં જરથુસ્ત ની અવેસ્તાને જીવતો વિવિધ માર્ગી પ્રદેશ છે.
જેને સમજવા માટે તેના દરેક આયામને જાણવો પડે. આપણો ઉદેશ્ય માત્ર ગુજરાતને સમજવાનો નહિ પરંતુ આત્મસાત કરી જીવવાનો છે.
જેમાં આપણે સમજીશું ગુજરાતને તેના પ્રત્યેક, સાચા અને અર્થસભર પરિદ્રશ્યમાં ……..