ગુજરાતમાં કેટલીક જાતિઓ લોક્મનોરંજન સાથે જોડાયેલી છે. જેમાં વિવિધ જાતિઓનો સમાવેશ થાય છે. જેમકે વાદી, મદારી, જાદુગર, બહુરુપી, રામલીલાવાળા, કઠપૂતળી, નાથબાવા, માણભટ્ટ,નટ, નાયક , તરગાળા, બજાણીયા,ગારુડી, ચારણો વગેરે જેવી જ્ઞાતિઓ લોકોને વિધ વિધ પ્રકારે મનોરંજન કરાવતી હતી. આવી જ્ઞાતિઓ ગુજરાતના વિવિધ પ્રાંતો મા એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરણ કરતી રહેતી.
દરેક જ્ઞાતિની તેના વ્યવસાય પ્રમાણે ઓળખ હતી. નટબજાણીયા જ્ઞાતિ ગુજરાતના વિવિધ પ્રદેશોમાં ફરીને જુદાજુદા ખેલ કરતા જેમકે વાંસની ઘોડી પર દોરડું બાંધીને ચાલવું તેમજ અન્ય અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરવું. નટના વિવિધ ખેલો સંપૂર્ણ પણે અંગ કસરત અને શારીરિક શક્તિ પર આધારિત છે. માથાળી, લંકાઠેક, લાકોડું, મેરુ, દોરપાણો, સક્કરબાજી વગેરે નામ નટના ખેલ સાથે સંકળાયેલા છે. પાટડી પાસેના બજાણા ગામમાંથી નીકળેલા નટને બજાણીયા તરીકે ઓળખવામાં આવે છે. નટમાં ગોડિયા, ગોડબજાણીયા, રાજનટ, બજાણીયા જેવી વિવિધ શાખાઓ હોય છે. નટ આકાશમાં ઉડવાની વિદ્યા પણ જાણતા હતા.
વાદી, મદારી, ગારુડી,લાલવાદી, ફુલવાદી, ધાનવાદી, માનવાદી અને નાથબાવા જેવી જ્ઞાતિઓ સાપ, નાગ, અજગર,નોળિયો વગેરે સરીસૃપોના ખેલ દ્વારા મનોરંજન કરતી વિચારતી જ્ઞાતિ છે. મોમાંથી પથ્થરના ગોળા કાઢવા, હાથમાંથી કંકુ કાઢવું, બાવળની શૂળો કાઢવી તેમજ પેટમાં તલવાર ઉતારવા જેવા ખેલ આ જ્ઞાતિઓ દ્વારા લોકોને બતાવી મનોરંજન કરવામાં આવે છે.
નટ જેવી જ બીજી જ્ઞાતિ છે કાંગસિયા જ્ઞાતિ કે જે જમીન પર અંગ કસરત દ્વારા લોકોનું મનોરંજન કરે છે. મૂછ પર ગાડું બાંધી ચલાવવું, દાંત પર હળ મુકીને ચાલવું, ગળે લાકડાનું પાટિયું બાંધી તેના પર લોખંડના ગોળા ઝીલવા. જોકે મોટે ભાગે કાંગસિયા લોકો ‘ કાંસકી’ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
બહુરૂપીની કળા ગુજરાતમાં ખુબ જ લોકપ્રિય હતી. પ્રાચીન સમયમાં દેવીપુજક, ભવાયા અને ભાંડ જેવી જ્ઞાતિઓ આ કળા સાથે જોડાયેલ હતી. અત્યારના સમયમાં બહુરૂપીની કળા લુપ્ત થવાના આરે છે. બહુરૂપીની ગાદીના જુદા જુદા બાવન વેશો ગણાય છે પરંતુ આજે બહુરૂપી પાંચ-સાત વેશો થી વધારે વેશો ભજવતા નથી. અર્ધ-નારી, નટેશ્વર, જયપુરનો ગવૈયો, ગુરુ-ચેલો, બિકાનેરી માલણ, દિયર-ભોજાઇ વગેરે જેવા વેશ બહુરૂપીની કળામાં ખુબજ લોકપ્રિય ગણાય છે. ગુજરાતમાં ઘોડા સાથેનો રામદેવપીરનો વેશ તેમજ હનુમાનજીનો વેશ લોકપ્રિય રહ્યો છે.
ભવાઈ એ ગુજરાતનો ખુબજ પ્રિય લોક્માંનોરંજનનો પ્રકાર ગણ્ય છે જેની શરૂઆત સિદ્ધપુરના કવિ અસાઈત ઠાકર દ્વારા કરવામાં આવી હતી. ભવાઈમાં 360 જેટલા વિવિધ વેશો છે. ભવાઈના વેશોમાં આવતા વિવિધ કાવ્ય પ્રકાર જેવાકે મુસ્લિમ હરફો, છંદ, દુહા, સવૈયા, બાજંદા, ચબોલા, કવિત વગેરે ખુબજ ઊંડાણપૂર્વકનો અભ્યાસ માગી લે છે.ભવાઈનો કલાકાર પગે ઘુઘરા બાંધી સાત પ્રકારે વગાડે છે. જેમ કે આંટીયા, દોઢીયા, બેહરા અને ખરખરા વગેરે. સળગતી લાકડી ફેરવવી, નવ બેડાનું નૃત્ય, કટારી પગ વડે પકડી આંખમાં મેશ આંજવી, માથે સાંબેલું મૂકી નૃત્ય વગેરે જેવી કળા દ્વારા પણ મનોરંજન કરવામાં આવે છે.
ચારણ જ્ઞાતિ દ્વારા ભજન, ગીત, દુહા,છંદ અને શોર્યરસથી ભરપુર લોકસાહિત્ય અને ચારણીસાહિત્ય દ્વારા લોક્મનોરંજન કરવામાં આવે છે. આ જ્ઞાતિ દ્વારા વિવિધ ભજનો અને સંતવાણી તેમજ લોકવાર્તા થકી લોકરંજન કરાય છે.