જામનગરના જામસાહેબ ખુબ જ મહત્વકાંક્ષી હતા, જામસાહેબ દ્વારા જામ-જૂથ યોજના અમલમાં મુકવામાં આવી. જામ જૂથ યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના પચાસ રજવાડા જોડાઈને એક ફેડરલ ફ્રન્ટ (જામ જૂથ) બનાવવાની કોશિશ કરાઈ.સરદાર પટેલ અને ઉછરંગરાય ઢેબર દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જામસાહેબની યોજના આ રજવાડાઓને સંગઠિત કરી એક સાર્વભૌમ સત્તા બનાવવાની હતી પરંતુ માઉન્ટ બેટન દ્વારા પ્રતિસાદ ન મળ્યો જેથી પડતી મૂકી અંતે ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું.
સૌરાષ્ટ્રના આ નાના મોટા રજવાડાઓને ભેગા કરી 15 ફેબ્રુઆરી 1948 ના દિવસે જામનગર ના લાલ બંગલામાં એક સંઘ બનાવવામાં આવ્યો જેને નામ અપાયું ” યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ કાઠીયાવાડ” જે પછી થી ઓળખાયું “યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્ર” . આમ સૌરાષ્ટ્રને ભારતીય સંઘ માં 15 એપ્રિલ 1948 ના દિવસે ભેળવી દેવામાં આવ્યું અને તેને B પ્રકારનું રાજ્ય બનાવવામાં આવ્યું. સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટ બનાવવામાં આવી અને તેના પ્રથમ મુખ્યમંત્રી તરીકે કાર્ય કર્યું ઉછરંગરાય ઢેબરે. બળવંતરાય મેહતા સૌરાષ્ટ્ર રાજ્યના ઉપ-મુખ્યમંત્રી હતા. જામનગરના રાજવી દિગ્વિજયસિંહને રાજપ્રમુખ અને ભાવનગરના રાજવીને ઉપરાજ પ્રમુખ બનાવવામાં આવ્યા.
સૌરાષ્ટ્ર ના પાંચ જીલ્લા હતા, ( અમરેલી મુંબઈ રાજ્યમાં આવતું હતું)
1) હાલાર ( અત્યારનો જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લો )
2) ઝાલાવાડ ( સુરેન્દ્રનગર જીલ્લો)
3) સોરઠ ( અત્યારનો જુનાગઢ અને ગીર-સોમનાથ જીલ્લો)
4) ગોહિલવાડ ( ભાવનગર જીલ્લો)
5) મધ્ય સૌરાષ્ટ્ર ( અત્યારનો રાજકોટ અને મોરબી જીલ્લો)
આમ , 1948 થી 1956 સુધી સૌરાષ્ટ્ર એક અલગ રાજ્ય તરીકે પ્રસ્થાપિત રહ્યું, 1956 થી 1960 સુધી તે બૃહદ મુંબઈ અંતર્ગત આવ્યું અને 1960 થી ગુજરાત રાજ્યનું અભિન્ન અંગ બન્યું।
9 નવેમ્બર 1947 જુનાગઢ ભારતીય સંઘમાં જોડાયું
15 જાન્યુઆરી 1948 ભાવનગર ભારતીય સંઘમાં જોડાયું
15 એપ્રિલ 1948 ના દિવસે જુનાગઢ, ભાવનગર, જામનગર, રાજકોટ, પાલીતાણા, વાંકાનેર, વાડિયા, ધાંગધ્રા, લાઠી, કોટડા-સાંગાણી જેવા રાજ્યો સાથેનો સંઘ ભારતીય સંઘમાં જોડાઈ “યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્ર ” બને છે.
કચ્છના ભારતીય સંઘ સાથેના જોડાણ વિષે વાત કરીએ તો 4 મે 1948 ના દિવસે કચ્છનું જોડાણ મહારાવ મદનસિંહ દ્વારા ભારતમાં કરવામાં આવ્યું। કચ્છને ભારતીય સંઘ માં C રાજ્યનો(કેન્દ્ર શાસિત પ્રદેશ) દરજ્જો આપવામાં આવ્યો. 1956 માં કચ્છને મુંબઈ રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું અને 1960 માં તે ગુજરાતનું અભિન્ન અંગ બન્યું.
હવે જોઈએ વડોદરા રાજ્યનો ભારતીય સંઘ સાથેના વિલીનીકરણનો ઈતિહાસ
વડોદરા રાજ્યમાં ગાયકવાડ રાજવીઓ દ્વારા શાસન કરવામાં આવતું હતું, ભારતની સ્વતંત્રતા સમયે વડોદરામાં રાજ્યશાસનની ધુરા પ્રતાપસિંહરાવ ગાયકવાડ પાસે હતી. વડોદરામાં પ્રજામંડળની આગેવાની જીવરાજ મેહતા દ્વારા લેવામાં આવી હતી. 1 મે 1949 ના દિવસે પ્રતાપસિંહ રાવ દ્વારા વડોદરા રાજ્યનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવા માટેની સંમતિ આપવામાં આવી. વડોદરા રાજ્યને આજ દિવસે મુંબઈ પ્રાંતમાં ભેળવવામાં આવ્યું, 1 મે 1960ના દિવસે વડોદરા ગુજરાત રાજ્યનું એક અભિન્ન અંગ બન્યું.
આમ સૌરાષ્ટ્ર B પ્રકારનું રાજ્ય બન્યું , કચ્છ C પ્રકારનું રાજ્ય બન્યું અને બાકીનું ગુજરાત મુંબઈ પ્રાંતનો ભાગ બન્યુ. 1956માં બધાજ પ્રાંતોને દ્વિભાષી મુંબઈ પ્રાંતમાં ભેળવી દેવામાં આવ્યા જે 1960 સુધી મુંબઈનો ભાગ બની રહ્યા.
રજવાડાઓનું એકત્રીકરણ અને ગુજરાત – 1