સ્વાશ્રયી મહિલા સેવા સંઘ એટલેકે SEWA ( Self Employed Women Association) ના સ્થાપક ઇલાબેન ભટ્ટ; મેગ્સેસે એવોર્ડ ( 1977) અને રાઇટ લાઇવલી હુડ ( 1984) જેવા અંતરાષ્ટ્રીય એવોર્ડ ઉપરાંત પદ્મશ્રી ( 1985) અને પદ્મભૂષણ ( 1986) જેવા સન્માનો પણ મેળવી ચુક્યા છે. ઇલાબેન માત્ર ગુજરાત જ નહિ પરંતુ દેશનું ગૌરવ છે.
અંગ્રેજી વિષય સાથે બી.એ. તેમજ એલ.એલ.બી. થયેલ ઇલાબેન, મજુર મહાજન સંઘ માં પ્રવૃત્તિ દરમિયાન ગુજરાતની શ્રમજીવી મહિલાઓની સમસ્યાઓથી પરિચિત થયા અને નિર્માણ થયું એક વ્યવસાયિક મહિલાઓના સંગઠનનું જેનું નામ છે “સેવા”. સમયની સાથે સેવાની પ્રવૃત્તિ દેશભરમાં વિસ્તરી અને દક્ષિણ આફ્રિકામાં તેની ભગીની સંસ્થા “સેવુ” નો જન્મ થયો. સેવામાં અંદાજીત દશ લાખથી પણ વધારે મહિલા સભ્યો છે અને તે દેશનું સૌથી મોટું કામદાર મંડળ છે.
ઇલાબેને ‘વિશ્વ મહિલા બેંક’ , ‘વિમેન્સ વર્લ્ડ સમિટ ફાઉન્ડેશન’, ‘આયોજન પંચ’ અને ‘રાજ્ય સભા’ માં પણ પોતાની સેવાઓ આપી છે. યેલ, હાર્વર્ડ, નાતાલ અને સયાજીરાવ ગાયકવાડ જેવી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય યુનીવર્સીટી દ્વારા ઇલાબેનને ડોકટરેટની માનદ ઉપાધી એનાયત કરવામાં આવેલ છે. ઇલાબેનના કેટલાક પુસ્તકો જેવાકે ‘શ્રમ શક્તિ ‘, ‘ગુજરાતની નારી’, ‘દૂસરી આઝાદી-સેવા’ , અને ‘વી આર પુઅર બટ સો મેની’ માં તેમની વૈચારિક પરિપક્વતા અને સેવાકીય પ્રવૃત્તિ દ્વારા નારી સશક્તિકરણ માટેના પ્રયત્નો દ્રષ્ટિગોચર થાય છે.
સેવામાં ‘વિડીઓ સેવા’ અને ‘કોમ્યુનીટી રેડીઓ (રુડીનો રેડીઓ)’ દ્વારા મહિલાઓ ને કામ કરવાના પ્રશિક્ષણ ઉપરાંત જીવનના એક અલગજ આયામનું માર્ગદર્શન આપવામાં આવે છે જે મહિલાઓના વ્યક્તિત્વ વિકાસ માં યોગ્ય ભૂમિકા ભજવે છે. નેલ્સન મંડેલા દ્વારા સ્થાપિત ‘ ધ એલ્ડરસ’ સાથે ઇલાબેન ભટ્ટ જોડાયા અને બાળ લગ્ન અટકાવવાની ઝુંબેશ ને પ્રોત્સાહન આપ્યું. વર્તમાનમાં ઇલાબેન ગાંધી વિદ્યાપીઠમાં પોતાની સેવા આપી રહ્યા છે.