મિત્રો ગ્રામીણ વ્યવસ્થા અને આર્ય સંસ્કૃતિ વિષે જાણ્યા પછી તમે એટલું તો ચોક્કસ સમજ્યા હશો કે ભારત ગ્રામ્ય સંસ્કૃતિની સાથે-સાથે ગ્રામ સ્વરાજ બાબતે ઐતિહાસિક સમયથી જ પરિપક્વ રાષ્ટ્ર છે. આજે પણ આપણે સામજિક અને ગ્રામીણ વ્યવસ્થા બંનેમાં “મુખી” કે “પંચ પરમેશ્વર” જેવા શબ્દો સંભાળીએ છીએ કે જે ભારતીય ગ્રામ સ્વરાજ ના ઉદઘોતક છે.
ભારતમાં આર્યોના આગમન પછી આ દેશ ભરત રાજાના નામ પરથી ભારત બને છે. કાળક્રમે ભારતમાં “શક” , “હુણ”, “કુષાણ”, “ક્ષત્રપ”, “અફઘાની”, “ઈરાની”, “તુરાની”, “ખુરાસની”, “મોંગોલ” જેવી અનેક પ્રજાતિઓનું આગમન થયું અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ તેઓનો ભારત રાષ્ટ્રમાં સમન્વય થયો. ભારતમાં શાસકો બદલાતા ગયા પરંતુ ગ્રામીણ વ્યવસ્થામાં કોઈ મોટા પ્રકારના બદલાવ ન હતા. ભારતીય ગામો માં વસવાટ કરતા લોકોની વસ્તી લગભગ 80 થી 90 ટકા જેટલી હતી અને શહેરીકરણ ખુબજ ઓછા પ્રમાણમાં થયેલ પરિણામે રાજકીય એકમ તરીકે ભારતીય ગામ હંમેશા અકબંધ રહ્યું હતું . ભારતીય-ગામનો શાસકો સાથેનો સંબંધ માત્ર મહેસુલ આપવા પુરતો મર્યાદિત હતો અને જેને પરિણામે કોઈપણ શાસન હોય તેના આંતરિક સાર્વભૌમત્વ એટલેકે ગ્રામ સ્વરાજ્યને ક્યારેય ખરોચ પહોંચી ન હતી.
1857 ના બળવા પછી, રિપન દ્વારા 1862 માં નગરપાલિકાઓની સ્થાપના કરવામાં આવી અને તેને પરિણામે 1869 માં મુંબઈ લોકલફંડનો કાયદો અમલમાં આવ્યો. ત્યારબાદ આ મોડેલ પરથી 1884માં દરેક જીલ્લામાં લોકલ બોર્ડની રચના કરવામાં આવી. 1889માં ગ્રામ-સફાઈનો કાયદો અમલમાં આવ્યો. આ લોકલ બોર્ડ ને સરકાર દ્વારા ફંડ આપવામાં આવતું જેના અંતર્ગત તે શહેરી નાગરિકોની જરૂરિયાત અને માંગણી મુજબ ના કાર્યોને આખરી ઓપ આપતું. ભારતમાં રિપન ને સ્થાનિક સ્વરાજનો પિતા માનવામાં આવે છે. પરંતુ રિપન દ્વારા લેવાયેલા પગલાતો શહેરીકરણ, શિક્ષણ અને પ્રજામાં પોતાના હક્કો પ્રત્યેની જાગૃતિને પરિણામે માત્ર શહેરી વિસ્તારો પુરતા લોકલ બોર્ડ ની રચના હતી અને આ એવા ભારતીય લોકોની માંગ હતી કે જે મૂળભૂત રીતે ગ્રામ્ય વ્યવસ્થામાંથી શહેરોમાં સ્થળાંતરિત થયેલ હતા. શહેરમાં સ્થળાંતરિત થયેલ લોકો એ ભારતીય ગ્રામ-સ્વરાજ , સંપ, ભાતૃભાવના અને ગ્રામ્ય-હિત એ વ્યક્તિગત હિત કરતાં ચડિયાતું છે તે પ્રકારની ભાવના શહરોમાં પણ પ્રસ્થાપિત થાય અને પોતાના પ્રશ્નો પોતાના દ્વારાજ હાલ થાય તેવા પ્રકારના મનોભાવ સાથે 1857ના બાળવામાં, પોતાની રીતે મનોવૈજ્ઞાનિક આધાર પર સામેલગીરી કરી. ભારતીય શહેરી માનસ ભવિષ્યમાં પણ અંગ્રેજો વિરુદ્ધ આવા કોઈ પ્રકારના બળવામાં મનોવૈજ્ઞાનિક રીતે શામેલ ના થાય તે આશય પણ આ લોકલ બોર્ડની રચના પાછળ હોવો ઘટે.
ભારતીય ગ્રામ્ય વ્યવસ્થાનો કારીગર વર્ગ જેવાકે લુહાર, સોની, કુંભાર, દરજી, વાણંદ, ગ્રામ્ય -સફાઈ કામદાર તદ-ઉપરાંત મંદિરના પુજારી, મહાદેવના સાધુ, મસ્જીદ નો મૌલવી અને ખેતઉત્પાદન સાથે જોડાયેલો ખેડૂત અને મજુર વર્ગ અન્યોન્ય જરૂરત પણ પૂરી કરતા અને ગ્રામ્ય વિકાસ માટે બહુમતીથી થતી નિર્ણયની પ્રક્રિયામાં ભાગીદાર પણ બનતા. આજે પણ ભારતના ગામડાઓમાં મંદિર, અને મસ્જીદ ના નિભાવ ખર્ચ માટે ખેતરો અને ગ્રામ્ય પશુઓના ચારા માટે ગોચરની જમીનનું હોવાપણું ગ્રામ્ય-સ્વરાજ નું દીર્ઘ-દ્રષ્ટિપણું સાબિત કરે છે. ભારતના કેટલાય ગામડામાં સમરસ થતી પંચાયતો એ રાજકીય અખાડાબાજીથી દુર રહી ગ્રામ્ય-હિત ને પ્રાધાન્ય અને ગ્રામીણ દૂરંદેશીપણાને દ્રષ્ટિગોચર કરે છે. આજે પણ કેટલાક ગામોમાં ધાન્યના બદલામાં મળતી શાકભાજી, માટીના વાસણ, લુહારી કામ એ માત્ર સાટા પધ્ધતિ નહિ પરંતુ અર્થતંત્ર તરીકે ગ્રામ એક સ્વાયત એકમ છે તે સાબિત કરવા માટે પુરતું છે. સુંઢલ દ્વારા થતી ખેતી ( બે ખેડૂત કુટુંબ દ્વારા એકબીજા સાથે ખેતી કામમાં કરવામાં આવતી ભાગીદારી), ધાર્મિક સ્થાનના નિભાવ માટે ના ખેતરોની જોગવાઈ, છાશનું મફત વિતરણ જેવી બાબતો ગ્રામીણ સદભાવના અને સંપ નું પ્રતિક છે.
રિપનનું સ્થાનિક સ્વરાજ લોકલફંડની ફાળવણી અને શહેરી વિસ્તારના વિકાસના કામોની 1857 ના વિપ્લવ પછી અવગણના ન કરવાની અંગ્રેજ સદબુદ્ધિ ને દર્શાવે છે. જયારે સામે પક્ષે ગ્રામ-સ્વરાજ એ ભારતીય સંસ્કૃતિનું એક ઐતિહાસિક લક્ષણ છે જેમાં ગ્રામિણ જી.ડી.પી.( ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકસન) અને ગ્રામીણ એચ.એચ.આઈ. (હ્યુમન હેપીનેસ ઇન્ડેક્ષ) નું સમિશ્રણ છે.
પ્રજ્ઞેશ ઈશરાણી
પંચાયતી રાજ -1
પંચાયતીરાજ -3
પંચાયતીરાજ-4